અમારું જંબુસર

જંબુસરમાં પ્રાચીનકાળથી "જાંબુ' બ્રાહમણોની વસ્તી છે. એટલે પ્રથમ તર્ક એ થાય છે કે આ જાંબુ બ્રાહમણોને જાંબુ, જંબુ એમ થઈને જંબુસર એવું નામ પડયું હશે. જંબુ થયા પછી સર કેવી રીતે લાગ્યું એ સવાલ ઉભો રહે છે. સર એ ગામ કે શહેરનો પર્યાયવાચી શબ્દ છે. આ રીતે વિચારણા જંબુસરની વ્યુત્પતિ બંધ બેસે છે, એક એવી પણ લોકવાયકા છે કે જંબુ નગરી મુઝફફરશાહે માંડ માંડ સર કરી એટલે તે જંબુ નગરીમાંથી જંબુસર થયું પરંતુ સ્પષ્ટ એ છે કે જંબુસરના નામાભિધાન માટે જાતિસુચક "જાંબુ' બ્રાહમણો એ શબ્દ કારણભૂત છે.
જંબુસરનો સળંગ ઈતિહાસ મળતો નથી, પરંતુ જુદા જુદા પ્રાપ્તિ નિર્દેશો પરથી જંબુસરની પ્રાચીનતાનું અનુમાન થઈ શકે છે. મહાભારત, પુરાણ અન્ય સંસ્કૃત ગ્રંથોમાં જંબુસર તીર્થક્ષેત્ર મહાત્મય વિશે લખેલ છે. જંબુસરની આસપાસ કણ્વાશ્રમ, અગત્સય સરોવર, ચર્મનદી તથા ધર્મારાગ્ય તીર્થ જેવા પ્રાચીન તીર્થો હતા.
વેપાર વાણિજયના અગત્યના કેન્‍દ્ર તરીકે જંબુસર પ્રાચીન સમયથી જ સ્થાપિત થઈ ચુકયું હોવાને કારણે મહી, નર્મદાના સમગ્ર વિસ્તારમાં ભરૂચ પછી જંબુસર અગત્યનું હતું. એક જમાનામાં જયારે ગળીના બજારમાં જંબુસર જગતભરમાં જાણીતું હતું.
જંબુસર તાલુકામાં જંબુસર શહેરની ઉત્તર બાજુએ નાગેશ્વર તળાવનાં કિનારા પર નાગદેવતાની પવિત્ર જગ્યા છે. ડાબી જગ્યા પાસે પુષ્કળ લાકડાનો જથ્થો, ધાટ પાસે ત્રણ ઝરાવાળી ખાડી આવેલી છે. વલ્લભાચાર્ય સંપ્રદાયના મહાપ્રભુજીની બેઠકનું વિશાળ મકાન જંબુસરથી એક માઈલ દુર આવેલું છે.
ભરૂચ જીલ્લાના આઠ તાલુકા પૈકી જંબુસર તાલુકો તેની કેટલીક વિવિધતાઓથી અલાયદો તરી આવે છે જેમ ભારત દેશની ત્રણ સીમાઓ સમુદ્રથી રક્ષિત છે તેમ જંબુસર તાલુકો દરીયાઈ સીમાથી સુરક્ષીત છે. તાલુકાની ઉત્તર દિશામાં મહીસાગર તથા દક્ષિણે ઢાઢર નદી શોભામાં અભિવૃઘ્ધિ કરે છે. તાલુકાના પર્યાવરણની રીતે પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ આમ બે વિભાગ સ્પષ્ટ થાય છે. પૂર્વ વિભાગનો કેટલોક પ્રદેશ વાકળ પ્રદેશ હોય જેના કારણે હરીયાળી ક્રાંતિ તથા ધટાદાર વૃક્ષોનો પ્રદેશ છે. જયારે પશ્ચિમ વિભાગ કુદરતી પરીબળોનો સામનો કરી દૂઢપણે સ્થિર રહેવા ટેવાયેલો છે. જેને બારા વિભાગ કહેવામાં આવે છે. ક્ષારવાળી જમીન અને અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિના સંજોગોમાં કુદરતી મુશ્કેલીઓ સહન કરે છે.
કહાનવા ગામે હિન્દુ સંત કલ્યાણદાસજીની પવિત્ર જગ્યા આવેલી છે. જેમની યાદગીરીમાં દર વર્ષે ભાદરવા સુદ-૧૧ ના રોજ આશરે ૩૦૦૦ જેટલા માણસો મેળામાં ભાગ લે છે.
તાલુકામાં એવું માનવામાં આવે છે કે, પ્રાચિન સમયમાં કપીલઋષિ અહીંના કાવી ગામમાં આશ્રમ બાંધીને રહેતા હતાં. તેથી આ સ્થળનું નામ કાવી પડેલ છે. બીજી એક માન્યતા પ્રમાણે આ સ્થળ કંકાવતી નામે ઓળખાતું હતું. આ એક સમુદ્ર બંદર પણ હતું.
કાવી ગામએ જૈન લોકોનું મહત્વનું યાત્રાધામ છે. અહીંયા જૈન લોકોનું મંદીર "સાસુ વહું ના દેરાસર' જે ૧૭ મા સૈકાનું છે. સ્થાપત્ય કલાનો સુંદર નમુનો છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ જંબુસરનો નોંધપાત્ર ફાળો રહયો છે.
ભાણખેતર અને મહાપ્રભુજીની બેઠકનો વિસ્તાર એ આ તાલુકાના જંબુસર ગામથી પ કી.મી.ના અંતરે ઉત્તર દિશામાં ડાભા ગામે આવેલ છે. જે વિસ્તાર મહાપ્રભુજી વલ્લભાચાર્યની બેઠક તરીકે ઓળખાય છે. જંબુસર ગામના અવશેષો દર્શાવે છે કે પ્રાચીનકાળ બાદ આ વિસ્તારનું કેટલું મહત્વ હતું. તાલુકામાં ઈંટ, માટી પ્રકારની બાંધણી ધરાવતાં રહેઠાણના મકાનો, જેમાં ઈંટ / ચુનાનો /માટીનો મહદ અંશે ઉપયોગ થતો જોવા મળે છે. હાલના સમયમાં આધુનિક બાંધકામોમાં સિમેન્ટ કોંક્રીટનું પ્રમાણ પણ જણાય છે.

Get updates in your email box
Complete the form below, and we'll send you the best coupons.

Deliver via FeedBurner
back to top